વચનામૃત ગઢડા મધ્યનું - ૧૫

સંવત ૧૮૭૮ના ભાદરવા સુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ચાકળો નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો જે, (૧) ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહિ એવો તે કિયો વિચાર છે તે જેને જેમ સમજાતું હોય તે તેમ કહો ? પછી પરમહંસમાં જેમ જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું પણ યથાર્થ કોઈથી કહેવાણું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે કહીએ જે, જેમ બહાર કોઈક પોતાનો શત્રુ હોય તે આપણું કાંઈક કામ થાતું હોય તેને બગાડી દે અથવા પોતાની મા-બોન સામી ગાળો દે પછી તેનો જેમ અતિશે અભાવ આવે છે, અને જે ઉપાયે કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તોપણ અતિશે રાજી થવાય છે, તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જે કામ, ક્રોધાદિક માંહેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈરબુદ્ધિ થાય, અને તેનો ખટકો ક્યારેય પણ ટળે નહિ, એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુમાત્રને ટાળે, અને જ્યારે કોઈક સંત એ કામાદિક શત્રુની નિંદા કરે તથા તે શત્રુને ખોદે તેમાં જેને મોરે કહ્યો એવો વિચાર હોય તેને તે સાધુનો અભાવ આવે નહિ ને સામો તે સાધુનો અતિશે ગુણ લે ને એમ જાણે જે, આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે માટે મારા પરમહેતુ છે. આવી જાતનો વિચાર જેના હૃદયને વિષે પ્રાપ્ત થયો હોય તે શત્રુમાત્રનો નાશ કરી નાખે અને કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદયને વિષે રહી શકે નહીં. અને એ વિના બીજા ગમે તેટલી જાતના વિચાર કરે પણ કામાદિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહિ, માટે એ સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. (૧)

       પછી શ્રીજીમહારાજે વળી પ્રશ્ન કર્યો જે, (૨) ધર્મ, વૈરાગ્ય, આત્મજ્ઞાન ને માહાત્મ્યે સહિત પરમેશ્વરની ભક્તિ એ ચાર વાનાંમાંથી કોઈ કાળે પડે નહિ એવો જે હોય તેને શે લક્ષણે કરીને ઓળખવો ? પછી સર્વે સંતે જેવું જેને સમજાણું તેમણે તેવું કહ્યું પણ કોઈથી યથાર્થ કહેવાણું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેનો બાળકપણાથી જ એવો સ્વભાવ હોય જે કોઈની છાયામાં તો દબાય જ નહિ, અને એ જ્યાં બેઠો હોય ત્યાં કોણેય હાંસી-મશ્કરી થાય નહિ, અને તેને કોણેય હળવું વેણ પણ કહેવાય નહિ, એવાં જેનાં લક્ષણ હોય તે કોઈ દિવસ ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન ને ભગવાનની ભક્તિ તેમાંથી પડે જ નહીં. અને તેનો માનીના જેવો સ્વભાવ હોય તોપણ તેને કલ્યાણનો ખપ હોય માટે તે સત્સંગમાંથી કોઈ પ્રકારે જાય નહીં. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।૧૫।। (૧૪૮)

          રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં સ્વભાવ ઉપર શત્રુપણું રાખે અને સ્વભાવને ખોદે તેનો ગુણ લે તો સર્વે શત્રુ નાશ પામે. (૧) બીજામાં કોઈની છાયામાં દબાય નહિ એવો હોય તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિમાંથી પડે નહિ એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે. ।।૧૫।।